આચાર્યાશ્રીનો સંદેશ

નવસારીની  મધ્યમાં આવેલ નવસારી હાઈસ્કૂલ, નવસારી નામે નામાંકિત સંસ્કારી સંસ્થા આજે શ્રી ઠાકોરભાઈ દેસાઈ અને શ્રી લાલભાઈ નાયક વિદ્યાસંકુલના એક વટવૃક્ષ સમાન વિકસિત બની છે, એની એક શાખા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય આજે નવસારી કેળવણી મંડળના માર્ગદર્શન અને સાથ- સહકાર થકી ફાલીફૂલી રહી છે.

શિક્ષણ એ માનવ કલ્યાણની પ્રવૃત્તિ છે. આ કલ્યાણકારી પ્રવૃત્તિનો માર્ગ અચૂક કસોટી કરે તેવો છે. કસોટીના આ એરણ પર ખરા ઉતરીને શિક્ષકે પોતાની ઉદાર વિશાળ જનહિતની ભાવનાનો પરિચય કરાવવાનો છે, શાળાનો પ્રાથમિક વિભાગ એટલે બાળકના ભણતરનો પાયો. આ પાયો મજબૂત હોય તો ઈમારત મજબુત બની શકે. આ પાયો મજબુત બનાવવા માટે અમારી શાળાના શિક્ષકો ખંત અને એકતાથી કામ કરે છે. ” શિક્ષક એટલે વિદ્યાનો ઉપાસક. તે વિદ્યાનું વાવેતર કરે, ક્રાંતિ કરે “. બાળક અમારા માટે ભગવાન સમાન છે. અને વર્ગખંડો અમારા તીર્થ સ્થળો છે. આ વિલક્ષણતાને પ્રતિપળે અમે સાર્થક કરવા કોશિશ કરતા રહીએ છીએ. PERFORMANCE, PROCESS અને PRODUCT નું સંકલન અમે કરતાં રહ્યાં છીએ.

વિદ્યાર્થીમાં સદગુણ અને ચારિત્ર્યનું નિર્માણ કરવું એ અમારું મહત્વપૂર્ણ કાર્ય છે. વિદ્યાર્થીઓ નિર્ભયતા, નિઃ સ્વાર્થભાવ, નિરાભિમાન અને સર્જનશક્તિનો વિકાસ કરનાર બને એ અમારો શુભ આશય રહ્યો છે. એ માટે અમે સદાયે પ્રયત્નશીલ રહીએ છીએ. શાળા માત્ર ઈમારત ન બની રહેતા એમાં જીવનનો ધબકાર સાંભળી શકાય એવા આંદોલનો સતત વહેતા રહે એ દિશામાં અમારી પ્રગતિ છે.

શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય આવા જ વિશાળ જનહિત સાથે સંકળાયેલી છે. શાળાના શિક્ષકો સંપૂર્ણપણે વ્યવસાયનિષ્ઠ હોવાની સાથે માનવતાપૂર્ણ દ્રષ્ટિકોણ ધરાવે છે. વિદ્યાર્થી કેન્દ્રીય પ્રવૃત્તિ અને સહજ શિક્ષણ આ શાળાની વિશિષ્ટતાઓ છે. વાલીઓ સાથેનો સહકારયુક્ત સૌમ્ય વર્તાવ રાખી શાળા લગનપૂર્વક પોતાની સામાજિક જવાબદારી અદા કરી રહી છે.

ઉચ્ચ શૈક્ષણિક પરિણામોની સાથે જ સહ શૈક્ષણિક અને ઈતર પ્રવૃતિઓમાં હંમેશા રહેવું એ શાળાનો મુદ્રાલેખ બની ચુક્યો છે.

શ્રીમતી કુંતલ મુકેશકુમાર દેસાઈ

આચાર્યાશ્રી,
શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય